અંધશ્રધ્ધા નીવારાણ નાં પ્રયોગો

નમસ્કાર મિત્રો 
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માટે ઉપયોગી થાય તેવી થોડી માહિતી અહી રજુ કરું છું.જો કે આ માહિતી દરેક પ્રસંગે ઉપયોગી જ છે.અને વિદ્યાર્થીઓ માં અંધશ્રધ્ધા દુર થાય અને અંધશ્રધ્ધા પાછળના વિજ્ઞાનને સમજતા થાય તેના માટે પણ આ માહિતી જરૂરી છે.

સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ ઘણા પ્રકારની અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે અને વિદ્યાર્થીઓ આવી અંધશ્રધ્ધાનો શિકાર ના બને અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે તેમને આવા અંધશ્રદ્ધા ના પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળ રહેલ વિજ્ઞાન ને સમજાવવું જરૂરી છે એટલા માટે આજે હું અહી આવા અંધશ્રદ્ધા ને લગતા થોડા પ્રયોગો અને તેની પાછળ નું વિજ્ઞાન સમજાવતી થોડી માહિતી મૂકી રહ્યો છું.

1-કોરા કાગળ પર અક્ષરો છાપવા 

મિત્રો ઘણી વાર કોઈ આપણને છેતરવા માટે આવો પ્રયોગ આપણી સમક્ષ રજુ કરે ત્યારે આપણે અંધશ્રદ્ધા માં આવી છેતરાઈ જઈએ છીએ.પરંતુ જો આપણે આની પાછળનું વિજ્ઞાન જાણતા હોઈએ તો કોઈ તકલીફ પડે નહિ.તમે જો આવો પ્રયોગ કરવા માંગતા હોવ તો તેના માટે નીચે મુજબ ની રીત અજમાવજો 
-સૌ પ્રથમ એક વાસણમાં એક લીંબુનો રસ નીચોવી એકઠો કરો 
-આ રસ વડે દીવાસળી થી કોરા કાગળ પર તમારે જે લખવું હોય તે લખી દો 
-આ કાગળને થોડો સમય સુકાવા દો 
-હવે જયારે પ્રયોગ કરો ત્યારે આ કાગળને મીણબતી કે લેમ્પ વડે ધીમે ધીમે ગરમ કરો 
-ગરમ કરવાથી કોરા કાગળ પર તમે જે લખેલ હતું તે કાળા અક્ષર માં લખાણ ઉપસી આવશે 

હવે આવો જ પ્રયોગ કરી તમારે કાગળ પર લાલ અક્ષર ઉપસાવવા હોય તો નીચે મુજબ કરો 
-કોરા કાગળ પર મીણબતી વડે જે લખવું હોય તે લખી ડો 
-હવે કાગળ પર લખાણ દેખાતું નહિ હોય પણ જયારે આ કાગળ પર થોડો કંકુ નાખી કાગળને મીણબતી પર ગરમ કરશો એટલે કાગળ પર લખેલ લખાણ લાલ અક્ષર માં ઉપસી આવશે 

2-પાણીને રંગીન કરવું અને તેનો રંગ દુર કરવો 
-સૌ પ્રથમ એક કાચના ગ્લાસ માં સોડીયમ હાઈડ્રોકસાઈડ નું દ્રાવણ લો જે રંગ વિહીન હશે 
-હવે તેમાં ફીનોલ્ફથેલીન ના થોડા ટીપા ઉમેરશો એટલે તે પાણી ગુલાબી રંગ નું થઇ જશે 
-હવે જો આ ગુલાબી રંગ દુર કરવો હોય તો તેમાં HCl ઉમેરો 
-HCl ઉમેરતા દ્રાવણ નો ગુલાબી રંગ દુર થશે 

3-લાલ દોરાને કાળો કરવો 
-લગ્ન પ્રસંગ માં કે હોમ હવન વખતે જે લાલ કાચો દોરો હોય છે જેને આપણે સાદી ભાષામાં નાડાછેડી કહીએ છીએ તે દોરો લો 
-આ દોરાને મોટા સોયામાં પરોવી દો 
-હવે આ સોયાને લીંબુ માં ઘુસડો અને બીજી બાજુ થી બહાર કાઢો 
-ટૂંક માં લીંબુ માંથી દોરાને પસાર કરો 
-આમ કરવાથી લીંબુ ની બહારનો દોરો જે લીંબુ માંથી પસાર થયો નથી તે લાલ રંગ નો હશે અને જેટલો દોરો લીંબુ માંથી પસાર થયો હશે તે કાળા રંગ નો થઇ ગયો હશે 
-આ પ્રયોગ કરતી વખતે લીંબુ ને બરાબર દબાવી રાખી લીંબુ ના રસ વડે દોરો બરાબર ભીંજાવો જોઈએ તેનું ધ્યાન રાખજો 

4-લીંબુ માંથી લોહી કાઢવું 
-સૌ પ્રથમ ચપ્પા પર  MKnO4 એટલે કે પોટેશિયમ પરમેન્ગેનેટ  લગાવી દો 
-થોડી વાર બાદ આ ચપ્પા વડે લીંબુ ને કાપો 
-લીંબુ કાપતી વખતે પોટેશિયમ પરમેન્ગેનેટ સાથે લીંબુ નો રસ બરાબર ભળે તે જરૂરી છે 
-આમ ચપ્પા વડે લીંબુ કાપતા તેમાંથી લાલ રંગ નો રસ નીકળશે 

5-સુકા ઘાસ માં આગ લગાડવી 
-સૌ પ્રથમ સુકા ઘાસમાં પોટેશિયમ પરમેન્ગેનેટ ઉમેરી દો 
-આ મિશ્રણ ને એક પહોળા વાસણ માં લઇ લો 
-હવે તેમાં ધીમે ધીમે ગ્લિસરીન ના ટીપા ઉમેરો 
-ગ્લિસરીન ના ટીપા ઉમેરતા સુકું ઘાસ ધીમે ધીમે સળગી ઉઠશે 

6-રૂમાલ માં આગ લગાડવી 
-સૌ પ્રથમ એક રૂમાલ ને સ્પીરીટ માં ડુબાડી રાખો 
-હવે આ રૂમાલ ને બહાર કાઢી તેમાં દીવાસળી વડે આગ ચાંપો 
-સ્પિરિટ સળગશે અપન રૂમાલ સળગશે નહિ 
-સ્પિરિટ સળગી જશે એટલે આગ ઓલવાઈ જશે 

7-નાળીયેલ માંથી લોહી કાઢવું 
-સૌ પ્રથમ એક નાળીયેલ લઇ તેની આંખ હોય ત્યાં સોયા વડે એક નાનું કાણું કરો 
-આ કાણા માંથી નાળીયેલ માં થોડો કંકુ ઉમેરી દો 
-ત્યાર બાદ કાણાને મીણ વડે બંધ કરી દો 
-હવે જયારે નાળીયેલ ને બરાબર હલાવી તોડશો એટલે તેમાંથી લાલ રંગ નું પાણી નીકળશે 

આજ પ્રયોગમાં નાળીયેલ માં કંકુ ને બદલે રૂમાલ કે ચુંદડી કે ફૂલ નાખવામાં આવે તો તે પણ રાખી શકાય 

મિત્રો આ દરેક પ્રયોગ નું નિદર્શન કરતા પહેલા એક વાર જાતે તેને અજમાવી લેવા અને ક્યાં પદાર્થનું પ્રમાણ કેટલું રાખવું તે પણ જોઈ લેવું

નોંધ-આ તમામ પ્રયોગ કરાવતી વખતે તમારી હાજરી જરૂરી છે.વિદ્યાર્થીઓને ક્યારેય એકલા આ પ્રયોગ કરવા દેવા નહિ કેમ કે અમુક પ્રયોગ કરતી વખતે અમુક સાવચેતી રાખવી જરૂરી છે.Share: