ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન-ઇન્ફોગ્રાફિક્સ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ છે, જેમાં માનવ રહી શકે છે. પૃથ્વીથી લગભગ ૩૫૦થી ૪૩૧ કિલોમીટર જેટલી ઊંચાઈએ ભ્રમણકક્ષામાં ફરતું આ સ્ટેશન સૂર્યશક્તિથી ચાલે છે અને તેની વિશાળ સૌર પેનલ્સ મળીને એની લંબાઈ પહોળાઈ ફૂટબોલ મેદાન જેટલી છે. કલાકના મહત્તમ ૨૭,૯૦૦ કિલોમીટરની ઝડપે ફરી શકતું આ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે, એટલે કે આપણા એક દિવસમાં ૧૬ વાર (ચોક્કસ આંકડો કહીએ તો ૧૫.૭ વાર) આ સ્પેસ સ્ટેશન આપણા પરથી પસાર થઈ જાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ સ્પેસ સ્ટેશનમાં વસતા લોકો માટે દિવસમાં ૧૬ વાર સૂર્ય ઊગે અને આથમે છે! આ સ્પેસ સ્ટેશન તેના નામ પ્રમાણે કોઈ એક દેશની માલિકીનું નથી. યુએસએની નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન), રશિયાની રોસ્કોસમોસ (રશિયન ફેડરલ સ્પેસ એજન્સી), જાપાનની જાક્સા (જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી), જુદા જુદા યુરોપિયન દેશોની ઇએસએ (યુરોપિયન સ્પેસ એજન્સી) અને કેનેડાની સીએએ (કેનેડિયન સ્પેસ એજન્સી) સંસ્થાઓએ સાથે મળીને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. સંખ્યાબંધ સ્પેશ મિશનના અંતે નવેમ્બર ૧૯૯૮માં આ સ્પેસ સ્ટેશન લોન્ચ થયું.  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ બેડરુમ-હોલ-કિચનના એપાર્ટમેન્ટ કરતાંય મોટી રહેવાની જગ્યા છે. તેમાં બે બાથરુમ, એક જિમ્નેશિયમ પણ છે. અહીં એક સાથે વધુમાં વધુ ૧૦ અવકાશયાત્રી રહી શકે છે અને કેટલાક સંજોગમાં ફક્ત બે કે ત્રણ અવકાશયાત્રીઓએ પણ આ ગઢ સંભાળ્યો છે. આ સ્પેસ સ્ટેશનની તમામ સિસ્ટમ્સ તેમાં રહેલાં બાવન કમ્પ્યુટર્સની મદદથી કંટ્રોલ થાય છે. પૃથ્વીથી આ સ્પેસ સ્ટેશન સુધી સતત આવનજાવન ચાલતી રહે છે અને ઘણી વાર સ્પેસ સ્ટેશનમાં જરુરી સાધન-સામગ્રી પહોંચાડવા માટે માનવરહિત રોકેટ પણ આંટાફેરા કરતાં રહે છે. પૃથ્વીથી સ્પેસ સ્ટેશન સુધીની મુસાફરીમાં અગાઉ બે દિવસ લાગતા હતા, પણ હવે ફક્ત છ કલાક જેટલો સમય લાગે છે. આ સ્પેસ સ્ટેશનમાં રહેતા વિજ્ઞાનીઓ બાયોલોજી, હ્યુમન બાયોલોજી, ફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરે વિષયો પર લગભગ શૂન્ય ગુરુત્વાકર્ષણ અને અવકાશના વાતાવરણમાં જ થઈ શકે એવા વિવિધ પ્રયોગો કરતા રહે છે. પૃથ્વી કરતાં તદ્દન વિપરિત અને અનેક રીતે મુશ્કેલ સંજોગમાં ચાર-છ મહિના સુધી સ્પેસ શટલમાં રહેતા વિજ્ઞાનીઓને મનોરંજન માટે ફિલ્મ, ટીવી શો, પુસ્તકો, સંગીત વગેરેની સગવડ હોય છે, પણ મોટા ભાગના અવકાશયાત્રીઓ કહે છે કે સ્પેસ સ્ટેશનની વિશાળ બારીઓમાંથી અવકાશ અને પૃથ્વી જોવામાં જે આનંદ છે તેની તોલે બીજું કશું આવતું નથી!
મિત્રો અહી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને સમજવા માટે નીચે એક સરસ મજાનું ઇન્ફોગ્રાફિક્સ આપેલ છે જેમાં વધુ માહિતી મળી જશે 
Share: