માઉસની પાંખે કરો વિશ્વનો પ્રવાસ

મિત્રો કલ્પના કરો કે તમે તમારી શાળાના વર્ગખંડ માં બેઠા છો અને ત્યાંથી તમે અચાનક એફિલ ટાવર નજીક પહોંચી ગયા અને તેને ભરપુર માણ્યાં બાદ તમે હિમાલયના ઊંચા શિખરો પર તમારા પ્રાઈવેટ પ્લેન માં બેસી પ્રવાસ કરી રહ્યા છો અને થોડા સમય માં તમે પ્લેન નીચે ઉતારી સમુદ્ર માં ઊંડે ડૂબકી લગાવી જ્યાં ટાઈટેનિક ડૂબેલ છે ત્યાં પહોંચો છો અને તેના વેર વિખેર ભંગાર ને નજીક થી જોયા બાદ ત્યાંથી જામનગર ના પરવાળાના ટાપુ પર આવી જાવ છો.અચાનક તમે ચંદ્ર પર પહોંચી ત્યાં એપોલો યાન અને અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ જોવ છો અને ત્યાંથી તમે તરત છલાંગ મારી મંગળ ગ્રહ પર પહોંચો છો અને આ ગ્રહ પર મુક્ત મને તમે ફરી રહ્યા છો........બસ....આટલું વાંચ્યા પછી તમને જરૂર લાગશે કે હું કૈક અતિશયોક્તિ ભરી વાતો કરી રહ્યો છું...પણ એવું નથી.આ બધું જ આજની ટેકનોલોજી થી એકદમ શક્ય છે.
હવે વિચાર કરો કે ઉપર વર્ણવેલ પ્રવાસ તમે તમારી શાળાના વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છો તો વાત કૈક વધુ રોમાંચક બની જાય.આવો પ્રવાસ તમે શાળાના વર્ગખંડ માં વિદ્યાર્થી સાથે બેસી ને આરામ થી કરી શકો છો.અહી આજના આ લેખમાં હું આ પ્રવાસ વિષે ખુબ જ ઊંડાણ પૂર્વક વાત કરવાનો છું.તો તૈયાર થઇ જાઓ એક અલૌકિક અને અદભુત પ્રવાસ ની મોજ માણવા માટે 

સૌ પ્રથમ એક વાત જણાવી દઉં કે આ માટે તમારે નીચેની સામગ્રી કે સુવિધા તમારી પાસે અથવા તમારી સ્કુલ માં હોવી જરૂરી છે.

1-કોમ્પ્યુટર 
2-ઈન્ટરનેટ 
3-ગુગલ અર્થ પ્રોગ્રામ 

મિત્રો આ ગુગલ અર્થ વિષે કદાચ તમે ઘણું બધું જાણતા હશો પરંતુ હું અહી જે પાસાની વાત કરીશ તેનાથી કદાચ તમે અજાણ હશો.સૌ પ્રથમ તમે તમારા કોમ્પ્યુટર માં આ પ્રોગ્રામ ડાઉનલોડ કરી લો અને તેને ઇન્સ્ટોલ કરી લો.

ગુગલ અર્થ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

હવે આ પ્રોગ્રામ ને ઓપન કરતા નીચે મુજબ ની સ્ક્રીન આપના કોમ્પ્યુટર પર દેખાશે 


આ પ્રોગ્રામને ચલાવીએ તે પહેલા તેના દારેક વિભાગ વિષે ટૂંકમાં માહિતી મેળવી લઈએ તે માટે નીચેની ઈમેજ જુઓ અને તેમાં આપેલ ક્રમ મુજબ વર્ણન વાંચતા જાઓ 1.ગૂગલ અર્થ પર વિશ્વપ્રવાસનો પ્રારંભ થાય છે અહીંથી. આ સર્ચબોક્સમાં કંઈ પણ લખો અને પૃથ્વીનો ગોળો ઘૂમીને એ સ્થળ પર સ્થિર થશે!
2.આ છે અર્થનો મુખ્ય ભાગ - ૩-ડી વ્યૂઅર વિન્ડો.
3.આ ટૂલબારમાંના દરેક બટન વિશે બાજુમાં સમજ આપી છે.
4.આ નેવિગેશન કંટ્રોલની મદદથી તમે ઝૂમ કરી શકો છો કે ૩-ડી વ્યૂને જુદી જુદી દિશામાં ઘુમાવી શકો, તેમ જ એરિયલ વ્યૂ કે ગ્રાઉન્ડ-લેવલ વ્યૂમાં જઈ શકો છો.
5.અહીંથી તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થઈ શકો છો. એ પછી તમે ગૂગલ અર્થમાં જે જુઓ તે સેવ કરીને ગૂગલ પ્લસમાં શેર કરી શકો છો કે કોઈને ઈ-મેઇલ કરી શકો છો.
6.આ લેયર્સ પેનલ છે. ગૂગલ અર્થમાં પ્રોગ્રામ પાર્ટનર્સ દ્વારા જે વિવિધ પ્રકારની માહિતી ઉમેરાય છે તે વિવિધ લેયર્સ સ્વરુ‚પે ઉમેરાય છે. તમે જુદાં જુદાં લેયર ઓન-ઓફ કરીને અલગ અલગ માહિતી જોઈ શકો છો.
7.આ પ્લેસીઝ પેનલ છે. અહીં તમે ગૂગલ અર્થ પર તમે પોતે કોઈ પ્લેસમાર્ક મૂકો કે ટૂર રેકોર્ડ કરો તો એ બધું અહીં સેવ થાય છે. તે રીતે બીજાએ રેકોર્ડ કરેલી ટૂર તમે અહીંથી જોઈ શકો છો.
8.અહીંથી તમે પ્લેસીઝની અંદર સર્ચ કરી શકો છો.
9.અર્થ ગેલરી એ આ પ્રોગ્રામનો કદાચ સૌથી રોમાંચક ભાગ છે. કેમ કે અહીંથી તમે જુદા જુદા લોકોએ ગૂગલ અર્થ પર તૈયાર કરેલું કન્ટેન્ટ ઇમ્પોર્ટ કરીને જોઈ શકો છો. જેમ કે ગેલેરીમાં ટ્રાવેલ સેક્શનમાં જઈને તમે વોલ્ટ ડિઝની વર્લ્ડ માટે વ્યૂ નાઉ પર ક્લિક કરશો તો આખું ડિઝની વર્લ્ડ તેની ૩-ડી ઇમેજીસ સાથે તમને જોવા મળશે!
10.આ સ્ટેટસ બાર ૩-ડી વ્યૂઅરમાં દેખાતી ઇમેજરી વિશે માહિતી આપે છે.
11.ટોચના મેનુમાં વ્યૂમાં ઓવરવ્યૂ મેપનો ઓપ્શન ઓન કરશો તો અહીં સમગ્ર પૃથ્વીના નકશાના સંદર્ભમાં જે તે સમયે તમે કયો ભાગ જુઓ છો તે જોવા મળશે.
અહી સ્ક્રીન પરના ટુલબાર પરના દરેક ટુલ વિષે પણ માહિતી મેળવી લઈએ 

હવે આપણે આ લેખની શરૂઆત માં જે પ્રવાસનું વર્ણન કરેલ તે પ્રવાસ શરુ કરીએ

એફિલ ટાવર ના પ્રવાસ માટે 


1-તમે ગુગલ અર્થ ઓપન કરશો એટલે પૃથ્વીનો ગોળો ફરીને ભારત પર સ્થિર થશે 
2-હવે સર્ચ બોક્ષમાં EFFIEL TOWER,PARIS લખી  સર્ચ કરશો એટલે પૃથ્વીનો ગોળો ફરી જાણે જીવંત થશે અને પેરીસ  શહેરનો એરિયલ વ્યૂ બતાવતાં સ્થિર થશે. સ્ક્રિન પર કેન્દ્રમાં એફિલ ટાવર અને તેની ફરતી બાજુ પેરીસ  શહેર... બધું જ તમે જોઈ શકશો.

3-હવે જમણી તરફ ઉપર આપેલી નેવિગેશન પેનલનો ઉપયોગ કરો અથવા માઉસના સ્ક્રોલ બટનની મદદથી એફિલ ટાવર  પરિસર પર ઝૂમ ઇન કરો. નેવિગેશન પેનલનાં બટન્સ પર જરા હાથ અજમાવીને શો ફેરફાર થાય છે તે જોવાનું ભૂલતા નહીં!

4-આપણે એફિલ ટાવરને આકાશમાંથી તો જોયો, હવે તેને જમીન પરથી નિહાળીએ. એ માટે, નેવિગેશન પેનલમાં એક માણસ જેવી ઇમેજ આપી છે. તેને માઉસથી ડ્રેગ કરીને એફિલ ટાવરના પરિસરના બરાબર કેન્દ્રમાં લાવીને મૂકો. 

5-જો તમને જમીન પરથી એફિલ ટાવર દેખાય નહીં તો આ સમય છે ડાબી પેનલમાં નીચે આપેલાં લેયર્સનો ઉપયોગ કરવાનો. લેયર્સમાં  ૩D building ચેકબોક્સમાં ટિક કરશો એટલે સ્ક્રીન પર એફિલ ટાવર જીવંત થશે!

6-હવે એફિલ ટાવરના પરિસરમાં થોડી લટાર લગાવીએ! માઉસના સ્ક્રોલ બટનને આગળ-પાછળ કરી જુઓ. તમે બરાબર એફિલ ટાવર સામે હશો અને સ્ક્રોલ બટન પાછળ ફેરવશો તો એફિલ ટાવરથી દૂર જતાં જતાં સંકુલ બહાર નીકળી જશો! ફરી સ્ક્રોલ બટન ફેરવી સંકુલમાં દાખલ થાઓ અને એફિલ ટાવરને નજીકથી જુઓ.

7-અત્યાર સુધી આપણે ગ્રાઉન્ડ લેવલ વ્યૂમાં હતા. ફરી એરિયલ વ્યૂમાં જવું હોય તો ઉપર જમણે તેનો ઓપ્શન આપ્યો છે. હવે લેયર્સમાં ફોટોઝ પર ટિક કરશો તો એફિલ ટાવરના અસંખ્ય ફોટોગ્રાફના આઇકન દેખાશે. આ અર્થના યૂઝર્સે મૂકેલા ફોટોઝ છે. ગમે તેના પર ક્લિક કરો અને ફોટોગ્રાફ માણો.

8-ફરી લેયર્સમાં ઝંપલાવો. જુદાં જુદાં લેયર્સને ઓપન કે ક્લોઝ કરો અને તેની સ્ક્રીન પર શી અસર થાય છે તે તપાસો. યુટ્યૂબ કે વિકિપીડિયાનાં લેયર્સ ટિક કરીને સ્ક્રીન પર ઝીણવટભરી નજર દોડાવશો તો એફિલ ટાવરની આજુબાજુમાં ક્યાંય વિકિપીડિયાનો આઇકન નજરે ચઢી જશે. બધાં લેયર્સ બંધ કરી માત્ર વિકિપીડિયાનું લેયર ઓપન રાખશો તો આઇકન શોધવો સહેલો બનશે. તેના પર ક્લિક કરો એટલે એફિલ ટાવરની અપાર માહિતી તમારી સામે!

આવી રીતે તમે ભારત ના તાજ મહેલ અને બીજા અન્ય સ્થાનો પર પણ નજર ફેરવી શકો છો.


 હિમાલય પર વિમાન દ્વારા પ્રવાસ 

ગૂગલ અર્થમાં ફ્લાઇટ સિમ્યુલેટરની મદદથી આ શક્ય છે. ટોચના મેનુમાં ટૂલ્સમાં જાઓ અને તેમાં એન્ટર ફ્લાઇટ સિમ્યુલેટર (અથવા Ctrl+Alt+A)નો વિકલ્પ પસંદ કરો. હવે જે વિન્ડો ખૂલે તેમાં તમારું પ્લેન પસંદ કરો. સિલેક્ટ યોર સ્ટાર્ટ પોઝિશનમાં એરપોર્ટના વિકલ્પમાં જઈને કાઠમંડુ પસંદ કરો. સ્ટાર્ટ ફ્લાઇટ પર ક્લિક કરો ને થઈ જાવ ઊડવા માટે તૈયાર!
જે સ્ક્રીન દેખાય તેના કેન્દ્રમાં માઉસથી ક્લિક કરશો એટલે માઉસના એરોને બદલે પ્લસ જેવી નિશાની થઈ જશે. હવે કીબોર્ડમાં પેજ અપ બટન દબાવી રાખો એટલે તમારું પ્લેન રનવે પર દોડવા લાગશે. થોડી સ્પીડ પકડે એટલે હળવેથી માઉસને પાછળની બાજુ ખેંચશો એટલે તમારું પ્લેન હવામાં તરતું થઈ જશે. પછી તો માઉસને ઉપર-નીચે કે ડાબે-જમણે લઈ જશો તેમ પ્લેન પણ જે તે દિશામાં જશે (પ્રેક્ટિસ થતાં વાર લાગશે કેમ કે પ્લેન માઉસ કરતાં ઊંધી દિશા પકડશે).
શરુ‚આતમાં ફાવશે નહીં અને પ્લેન નીચે ખાબકશે. એ સ્થિતિમાં તમે ફરી એકડેએકથી શ‚રુઆત કરી શકો છો, પણ જો રિઝ્યુમ ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરશો તો પ્લેન આપોઆપ હવામાં તરતું થઈ જશે.
આ બધી પળોજણમાં પડવું ન હોય તો પહેલા કદમ તરીકે, એરપોર્ટને બદલે કરન્ટ વ્યૂનો વિકલ્પ પસંદ કરો. એ માટે પહેલાં, કોઈ ચોક્કસ સ્થળે પહોંચી જાવ, જેમ કે નાયગ્રા ફોલ્સ કે અમદાવાદનું કાંકરિયા. હવે વાયા ટૂલ્સ ફ્લાઇટ સિમ્યુલેટરમાં પહોંચો, કરન્ટ વ્યૂ પસંદ કરો અને સ્ટાર્ટ યોર ફ્લાઇટ!
વિમાન ને લેન્ડ કેવી રીતે કરવું તે જાણવું હોય તો અહી ક્લિક કરો

મહાસાગર માં લગાવો ડૂબકી 

મહાસાગરમાં ડૂબકી લગાવવા બે વાતની ખાતરી કરવી પડશે, ટોચના મેનુમાં વ્યૂમાં વોટર સરફેસ સામે ટિકમાર્ક છે તે જે જોઈ લો ને પછી ટૂલ્સમાં ઓપ્શનમાં શો ટીરેઇન સામેના ચેકબોક્સને યસ કહી દો.
હવે લેયર્સમાં ઓશન મેનુમાં પહોંચો. આ મેનુ એક્સ્પાન્ડ કરી, માત્ર Shipwreck લેયર ઓન કરો. હવે સર્ચ બોક્સમાં Titanic લખીને સર્ચ કરો. પૃથ્વીનો ગોળો ઘૂમશે, અને આપણે મહાસાગરમાં ડૂબકી લગાવીને, સાગરના તળિયે પડેલા ટાઇટેનિક શિપના બે ટુકડા સુધી પહોંચીશું. પછી શિપના ૩ડી મોડેલને અંદર-બહારથી તપાસી શકો છો! ઓશન મેનુનાં જુદાં જુદાં લેયર્સ ઓન કરો અને જામનગરના પરવાળાના ટાપુ પણ જુઓ!

કરો ચંદ્ર પર પ્રયાણ 

ટોપમેનુબારમાં મૂનનો ઓપ્શન સિલેક્ટ કરો અને પહોંચો ચંદ્ર પર! એ પછી પહેલું કામ લેયર્સમાં મૂન ગેલરી તપાસવાનું કરો. બધાં લેયર્સ ઓન કરીને એપોલો મિશન્સમાં એપોલો-૧૧ પર ડબલ ક્લિક કરશો એટલે ચંદ્ર પર હરણફાળ ભરતાં તમે જ્યાં ચંદ્ર પર માનવે પહેલવહેલો પગ માંડ્યો એ સ્થળે પહોંચી જશો. ૩-ડી મોડેલ્સનું લેયર ઓન હશે તો ચંદ્રયાનનું મોડેલ પણ જોઈ શકશો. સાથે જે વિન્ડો ખૂલે તેમાં આ યાત્રાની વિગતો મળશે.
ચંદ્ર પર માઉસને જરા અમથું હલાવતાં લાંબા કૂદકા મારતાં આગળ વધશો એ ખાસ નોંધશો! આવું કેમ થાય છે તેની ચર્ચા તમારા વિદ્યાર્થીઓ સાથે કરો 

કરો મંગળ પર મહાપ્રયાણ 

મંગળ પર પહોંચવા માટે ફરી ટોપ મેનુબારમાં માર્સ સિલેક્ટ કરો. ડાબી તરફના લેયર્સમાં માર્સ ગેલરીનાં જુદાં જુદાં લેયર ઓન કરો અને જે આઇકન દેખાય તેના પર ક્લિક કરીને મળતી માહિતી સમજવાનો પ્રયાસ કરો. શ‚આતમાં બધાં લેયર્સ બંધ રાખીને મંગળની ધરતીનાં નિકટનાં દર્શન કરો. પછી એક પછી એક લેયર્સ ઓપન કરતા જાવ. લેયર્સમાં ૩-ડી મોડેલ લેયર્સ ઓપન કરશો એટલે મંગળ પર યુએસએએ મોકલેલા માર્સ ફિનિક્સ લેન્ડરનું મોડેલ જોઈ શકશો. 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સ્ત્રોત-cybersafar.com


Share: