એક આખો દિવસ "બાય પાસ"કરી ગયેલ દેશ-સમોઆ

મિત્રો 
આ લેખની મુખ્ય ઘટના  વાત કરીએ  પહેલા ઘટના ના ભૌગોલિક કારણ વિષે થોડું જાણી લઈએ 

પૃથ્વીના ગોળાને ઉતર-દક્ષિણ ધ્રુવોને જોડતા ઉભી લીટીના 360 રેખાંશ માં વહેંચી દેવામાં આવ્યો છે. વર્તુળ હમેશા 360 અંશનું હોય છે.દિવસ 24 કલાકનો હોય,માટે સૂર્ય દર કલાકે 360/24=15 રેખાંશ જેટલો ખસે છે.અને 24 કલાક એ રીતે પુરા થાય છે.અને તારીખ બદલાય છે.તારીખનો અને વારનો બદલાવ તો જગતના દરેક દેશમાં તેના ભૌગોલિક સ્થાન મુજબ સૂર્યોદય તથા સુર્યાસ્ત ને ધ્યાન માં રાખી મધરાતે થતો રહે છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તારીખ પૃથ્વીના ક્યાં ભાગમાં ક્યારે બદલાય તેનું બધા દેશોને લાગુ પડતું એકાદ સીમાંકિત ધોરણ હોવું જોઈએ

ઈ.સ.1884 માં મળેલી ઇન્ટરનેશનલ મેરીડીયન કોન્ફરન્સે આવું ધોરણ નક્કી કર્યું.ઈંગ્લેન્ડમાં ગ્રીનીચના 0 રેખાંશ ની પૂર્વ અને પશ્ચિમ તરફ 15 અંશના કુલ 24 ટાઈમ ઝોન નક્કી કરવામાં આવ્યા.દરેક તરફ 12 ટાઈમ ઝોન થયા,જેમની મિલન રેખા સમાન 180 રેખાંશ ને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ગણી ત્યાં તારીખ બદલવી એવો ધારો પાડવામાં આવ્યો.પશ્ચિમ તરફ જતું વિમાન કે જહાજ દિનાંક રેખા ઓળંગ્યા પછી એક દિવસ ઉમેરે,જયારે પૂર્વ તરફ પ્રવાસ ખેડતું વિમાન કે જહાજ એક દિવસ બાદ કરી દે.પ્રથમ કિસ્સામાં રવિવારના ઉમેરા વડે સોમવાર કરવો પડે,તો બીજા કિસ્સામાં સોમવારની બાદબાકી વડે રવિવાર કરવો રહ્યો

Image result for international date line map

પ્રશાંત મહાસાગરને બે ભાગે વહેંચતી આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ગ્રીનીચના 0 અંશ રેખાંશ જેવી સીધી નથી.વાંકી ચુકી છે કેમ કે ઉતરમાં રશિયાનો તેમજ અમેરિકાનો કેટલોક સીમાવર્તી પ્રદેશ 180 રેખાંશ ની આરપાર નીકળે છે.અમેરિકાનો 1800 કિમી લાંબો એલ્યુંશિયન ટાપુ સમૂહ અને રશિયાના સાઈબેરિયા નો 400 કિમી પ્રદેશ તે રેખાંશ ની બીજી તરફ આવે છે.આ પ્રદેશોમાં બાકીના દેશ કરતા જુદી તારીખ હોય તે વહીવટી રીતે ફાવે નહિ,એટલે બંને દેશોએ પોતાની સુવિધા ખાતર આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને મરોડી છે.બીજું કે વિષુવવૃત થી શરુ કરીને છેક દક્ષીણ સુધી ક્યાય મોટા દેશો નથી,પણ ટાપુ રૂપી નાના દેશો અનેક છે.આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા તે પૈકી માંડ બેએક દેશોને કાપે છે,એટલે સૌએ પોતપોતાની સગવડ મુજબ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ને તેમના સ્થાનિક વિસ્તાર પુરતી ડાબે-જમણે ખસેડી છે.

હવે આપણે મૂળ વાત પર આવીએ.પ્રશાંત મહાસાગરના સમોઆ નામ ના દેશે આ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ને નવી રીતે મરોડી છે.આ ટાપુનું ક્ષેત્રફળ 2860 ચોરસ કિમી છે.વસ્તી આશરે 220000 જેટલી છે.આ દેશે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ને નવો વળાંક આપ્યો તેને લીધે આ દેશના પ્રજાજનો ગુરુવાર,29 ડીસેમ્બર,2011 ની રાત્રે સુતા અને સવારે જાગ્યા ત્યારે શનિવાર,31 ડીસેમ્બર,2011 ની તારીખ હતી.સમોઆના રહીશો માટે 30 ડીસેમ્બર,2011 શુક્રવાર નો દિવસ જ આવ્યો નહિ.તેઓ જાણે કે ટાઈમ ટ્રાવેલ કરીને 24 કલાક પહેલાના ભવિષ્યમાં આવી ગયા.સમોઆ દેશે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને કેવી રીતે મરોડી તે નીચેના ચિત્ર માં જુઓ.

Image result for samoa with IDL

આ જાતનો ફેરફાર દેશ માટે કેટલીક સમસ્યાઓ ખડી કરે તે વાત તો સ્વાભાવિક છે.સમોઆની વસ્તીમાં 30 ડિસેમ્બરે 767 જણાનો જન્મ દિવસ,43 લોકોની લગ્ન તિથી .આવતી હતી.સરકારે તેમને સલાહ આપી કે એવા પ્રસંગોની ઉજવણી 29 મી અથવા 31 મી ડિસેમ્બરે કરી નાખો.હોટલ માં રહેતા પર્યટકો અને મુલાકાતીઓ પાસેથી મેનેજમેન્ટે 30 ડીસેમ્બર,શુક્રવાર નું ભાડું ન લેવાનું પણ કહ્યું. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને પૂર્વ તરફ ખસેડવા જતા સમોઆ દેશે પર્યટન ના ખાતે મોટો લાભ ગુમાવી દીધો.ધરતી પરનો છેલ્લો સુર્યાસ્ત અત્યાર લગી સમોઆ માં જોવા મળતો હતો.આંતરરાષ્ટ્રીય દિનાંક રેખામાં ફેરફાર થવાથી એ વાત રહી નહિ.આમ છતાં સમોઆ ના વડા પ્રધાન આશાવાદી છે.અમેરિકાના વાલીપણા હેઠળનો અમેરિકન સમોઆ તરીકે ઓળખાતો પાડોશી ટાપુ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાની પૂર્વ તરફ જ રહ્યો છે.બંને વચ્ચે અંતર ફક્ત 125 કિમી નું છે.આથી મુલાકાતીઓ વિમાન દ્વારા પ્રવાસ ખેડીને સમાન તારીખે સત્તાવાર રીતે વારાફરતી બે વખત જન્મદિવસ માનવી શકે છે.આ જાતનો મોકો પૃથ્વી પરના બીજા લોકોને મળે નહિ.


1892 થી શરુ કરી 2011 સુધી સમોઆ ની પશ્ચિમ બાજુએ પસાર થતી દિનાંક રેખાને 119 વર્ષે પૂર્વ બાજુએ ખસેડવાનું મુખ્ય કારણ આ રહ્યું-સમોઆ ઔદ્યોગિક રીતે પછાત એવો કૃષિ પ્રધાન દેશ છે.આયાત-નિકાસ પર તેના અર્થતંત્ર નો કારોબાર ચાલે છે.નિકાસ અને આયાત ની બાબતે તેનું આર્થિક હિત ઓસ્ટ્રેલીયા અને ન્યુ ઝીલેન્ડ સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલું છે.

અત્યાર સુધી બનતું એવું કે સમોઆની ઘડિયાળ ઓસ્ટ્રેલીયા કરતા  કલાક અને ન્યુ ઝીલેન્ડ કરતા 23 કલાક પાછળ હોવાને લીધે સપ્તાહમાં માત્ર ચાર દિવસો જ તે દેશો સાથે વ્યાપારી કારોબાર ચલાવી શકાતો હતો.સમોઆમાં શુક્રવાર હોય ત્યારે ન્યુ ઝીલેન્ડ માં શનિવાર ની રજા અનુસાર વ્યાપારી એકમો બંધ રહે અને સમોઆમાં રવિવાર ની રજા વખતે ઓસ્ટ્રેલીયામાં સોમવાર હોવાથી ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ હોય એવી સ્થિતિ હતી.ઓસ્ટ્રેલીયા-ન્યુ ઝીલેન્ડ રવિવાર પાળે ત્યારે સમોઆ માં કામ કાજ નો દિવસ હોવા છતાં એ દેશો સાથે વ્યાપારી લેવડ દેવડ કરી શકે નહિ.આમ સપ્તાહમાં ત્રણ દિવસો બાતલ જતા હતા અને કામકાજ અર્થે માત્ર ચાર દિવસ બાકી રહેતા હતા.આ ઉપરાંત સમોઆના 170000 લોકો ઓસ્ટ્રેલીયા-ન્યુ ઝીલેન્ડ માં વસ્યા હતા તેમને પણ "મની ટ્રાન્સફર" વખતે ખુબ જ તકલીફ પડતી હતી.સૌથી વિચિત્ર વિરોધાભાસ તો રજા માણવા સમોઆ જતા ઓસ્ટ્રેલીયા-ન્યુ ઝીલેન્ડના લોકો અનુભવતા હતા.આજે તેઓ પ્લેન મારફત રવાના થાય અને થોડા કલાક બાદ ગઈ કાલે સમોઆ પહોંચતા હતા!!!

આ છે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાની વિચિત્રતા.................!!!!!

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

ઉપરની બાબતનો વિડીયો જોવા માટે  અહી ક્લિક કરો
Share: